ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 265 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 12 લોકોનાં મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1081 થઈ ગઈ છે. આ પહેલા 3 એપ્રિલે 12 મોત નોંધાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 5,31,564 થઈ ગયો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.19 ટકા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4.47 કરોડ (4,47,76,004)થી વધુ થઈ ગઈ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 265 કેસ સામે આવ્યા બાદ એક્ટિવ કેસ વધીને 1081 થઈ ગયા છે. એક્ટિવ કેસ રિપોર્ટ થયેલા કુલ કેસનો 0.002 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 153 લોકો સ્વસ્થ થયા બાદ કોરોનાને હરાવી ચૂકેલા લોકોની સંખ્યા વધીને 4,41,43,359 થઈ ગઈ છે.
દેશમાં કોરોનાની રિકવરી રેટ 98.78 ટકા છે. દિલ્હી, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. મોટાભાગના નવા કેસ દિલ્હી-એનસીઆરમાંથી જ રિપોર્ટ થઈ રહ્યા છે.
ઈન્ડિયન સાર્સ-કોવ-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના આંકડા અનુસાર, દેશમાં XBB.1.16 વેરિયન્ટના કેસ સૌથી વધુ સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાના 91 ટકા નવા કેસ XBB.1.16 વેરિયન્ટના જ છે. આ વેરિયન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને પંજાબમાં રિપોર્ટ થયા છે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં છેલ્લા 8 દિવસમાં કેસ ડબલ થઈ ગયા છે. દિલ્હીમાં કોરોનાના હાલ 517 એક્ટિવ કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 નવા કેસ સામે આવ્યા અને એક વ્યક્તિના મોત થયા છે. પોઝિટિવિટી રેટ 23.08 ટકા છે.
દિલ્હી પછી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 104 એક્ટિવ કેસ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 40 નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં 79 એક્ટિવ કેસ છે. અહીં 30 નવા કેસ મળ્યા છે. આ સિવાય હરિયાણામાં 12, ગુજરાતમાં 10, તમિલનાડુમાં 9, ઉત્તરાખંડમાં 8, મધ્યપ્રદેશમાં 7, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં 6-6, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 5-5 એક્ટિવ કેસ છે.
શું છે XBB.1.16 વેરિયન્ટ
XBB એ ઓમિક્રોનના BJ.1 અને BM.1.1.1 વેરિયન્ટના મિશ્રણથી બનેલો છે. XBBનું જ્યારે ફરી મ્યુટેશન થયું ત્યારે XBB.1.16 વેરિયન્ટ બન્યો. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા અનુસાર, XBB.1.16માં XBB.1.5 કરતા ત્રણ વધારાના મ્યુટેશન છે. આ વેરિયન્ટના કારણે જ આંખોમાં લાલાશ, શરદી, ખાંસી, તાવ અને શરીરમાં દુખાવા જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે.
ડોક્ટર્સનું શું કહેવું છે?
નવી દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલના ચીફ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ ડો. દિપક કુમારના કહેવા અનુસાર, XBB.1.16 વેરિયન્ટમાં કોવિડના સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યા છે. આ વેરિયન્ટથી લોકોના ફેફસાંને કોઈ નુકસાન પહોંચતું નથી. તેમણે કહ્યું કે, જે લોકોનું વેક્સિનેશન થયું છે અને જેમની ઈમ્યુનિટી સારી છે, તેમના માટે આ વેરિયન્ટ ચિંતાનો વિષય નથી.
સામાન્ય લક્ષણ:
- તાવ
- ખાંસી
- ગળામાં ખરાશ
- નાક વહેવું
- શરીરમાં દુખાવો
- માથાનો દુખાવો
ગંભીર લક્ષણ:
- શ્વાસ લેવામાં તકલીફ
- છાતીમાં દુખાવો
- સતત માથાનો દુખાવો
- શરીરમાં સોજો
ક્યારે કરાવવું ટેસ્ટ?
ડો. દિપક કુમારનું કહેવું છે કે, જે લોકોમાં સામાન્ય શરદી-ખાંસીના લક્ષણ છે અને તેમને તાવ નથી અથવા 1-2 દિવસમાં તાવ ઉતરી જાય છે, તેઓ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તેઓ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર લઈ શકે છે. જોકે, જો કોઈને 3 દિવસથી વધુ તાવ રહે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય તો તેને તરત જ ટેસ્ટ કરાવવો જોઈએ.
શું છે હોમ આઈસોલેશનના નિયમ?
- શરદી, ખાંસી, તાવ હોય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો.
- તાવ હોય તો પેરાસિટામોલ લો.
- ગરમ પાણી પીઓ અને સ્ટીમ લો.
- હાઇડ્રેટેડ રહો એટલે કે પાણી કે અન્ય પ્રવાહી વધુ માત્રામાં પીઓ.
- માસ્ક પહેરો અને સામાજિક અંતરનો પાલન કરો.
- રૂમમાં સારી રીતે હવા આવતી હોય તેનું ધ્યાન રાખો.
- બીમાર વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળો.
- હાથ સતત સાબુથી ધોતા રહો.
- 10 દિવસ સુધી ઘરની બહાર ન નીકળો.
- લક્ષણ સામાન્ય હોય તો પણ 5 દિવસ આરામ કરો.
- 5 દિવસ પછી પણ લક્ષણ રહે તો ફરી ટેસ્ટ કરાવો.
સાવધાની શા માટે જરૂરી?
કોરોનાના વધતા કેસ વચ્ચે લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરો. વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી જરૂરી નથી કે તમે બહાર નીકળો. જો શક્ય હોય તો ઘરેથી જ કામ કરો. વેક્સિનેશન હજુ પણ બેસ્ટ છે. બૂસ્ટર ડોઝ લગાવી દો. બાળકો, વૃદ્ધો અને પહેલાથી જ બીમાર લોકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.
વધુ પડતી ચિંતા ન કરો, પણ એટલા માટે બેફિકર પણ ન થઈ જાઓ કે તમે જોખમમાં મુકાઈ જાઓ. બેફિકર થવાનો સમય હજુ નથી આવ્યો. થોડા વધુ દિવસ સાવચેતી રાખો. - ડૉ. દિપક કુમાર, ચીફ, મેડિસિન ડિપાર્ટમેન્ટ, સર ગંગા રામ હોસ્પિટલ.